Bharat Vikas Parishad Gujarat (ભારત વિકાસ પરિષદ)
ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા વ્યવસાયો અને વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા શ્રેષ્ઠત્તમ લોકોનું બિન રાજકીય, નિ:ર્સ્વાથ, સમાજસેવી સાંસ્કૃતિક રાષ્ટ્રીય સંગઠન છે. આ સંસ્થાની સ્થાપનાનો ઉદે્શ ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ સાધવાનો છે. વિકાસની વ્યાખ્યામાં સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક વગેરે તમામ પ્રકારના વિકાસનો સમાવેશ થાય છે. આ હેતુથી પ્રબુદ્ધ અને સાધન સંપન્ન વર્ગ સમાજ કલ્યાણના કામ માટે પ્રેરણા આપવાનું તથા સેવા અને સંસ્કાર દ્વારા ગરીબ વર્ગના ઉત્થાન માટે કામ કામ કરે છે.૧૯૬૩માં દિલ્હી ખાતે પહેલી શાખા શરૂ કર્યા પછી આજે સમગ્ર દેશમાં પરિષદની 1500 ઉપરાંત શાખાઓ છે. આજે દેશના 69,000થી વધુ પરિવાર એટલે કે લગભગ 140000 સભ્યો નિ:સ્વાર્થભાવે સમાજ ઉત્થાન અને સેવા કાર્યો કરી રહ્યા છે. દેશને 9 રીજીઓન અને 73 પ્રાંતમાં કાર્યની દ્રષ્ટિએ વહેંચવામાં આવ્યો છે. આજે દેશનો એક પણ ભાગ એવો નથી જેમાં ભાવિપની શાખા ન હોય.
પરિષદના કાર્યમાં શ્રીમતી સ્વ. મહાદેવી વર્મા, સ્વ. લાલા હંસરાજ ગુપ્તા, સ્વ. ડો. લક્ષ્મીમલ્લ સિંઘવી, સ્વ. સ્વામી શ્રી સત્યમિત્રાનંદ ગિરિજી જેવા મહત્વપૂર્ણ વ્યક્તિત્વ જોડાયેલ રહ્યા છે. વર્તમાનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા કાશ્મીરના પૂર્વ ગર્વનર શ્રી જગમોહનજી, ન્યાયમૂર્તિશ્રી એસ. પર્વતરાવ, ન્યાયમૂર્તિશ્રી ડી.આર. ધાનુકા, ન્યાયમૂર્તિ તથા ચંદીગઢના પૂર્વ રાજ્યપાલ શ્રી વિષ્ણુ સદાશિવ કોકજેજી આદિ ગણમાન્ય વ્યક્તિઓ જોડાયેલા છે.
ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત ભરમાં સેવા, શિક્ષા, સ્વાવલંબન, સામજીક એમ કુલ 1761 પ્રોજેક્ટસ ચાલે છે. જેમાં વિકલાંગ સહાયતા પ્રોજેક્ટ, ભારત કો જાનો, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, ગુરુવંદન છાત્ર અભિનંદન, ગ્રામ દત્તક યોજના, સામુહિક સરળ વિવાહ, પરિવાર મિલન, વિચાર ગોષ્ટિ, પીકનીક, વનવાસી સહાયતા, નેત્રદાન, તેજસ્વી છાત્ર સહાયતા તથા સત્કાર, હાલરડાં સ્પર્ધા, લગ્નગીત સ્પર્ધા, રક્તદાન શિબિર, ફરતું દવાખાનું વિગેરે પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય વિષયને લઈને વક્તૃત્વ, નિબંધ, ગીત, ચિત્ર, વેશભુષા વિગેરે પ્રકારની સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવે છે.
ભારત વિકાસ પરિષદ ગુજરાત રાજ્યમાં ત્રણ પ્રાંતમાં વહેંચાયેલ છે. ગુજરાત મધ્ય, ગુજરાત ઉત્તર અને ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ. આજે ગુજરાત રાજ્યમાં કુલ 75 શાખાઓ કાર્યરત છે. ગુજરાતમાં સેવા, શિક્ષા, સ્વાવલંબન, સામજીકના કુલ 35 પ્રોજેક્ટસ ચાલે છે. જેમાં વિદ્યાર્થીઓ માટે રિડિંગ લાયબ્રેરી, ત્રણ ફિજીયોથેરાપી સેન્ટર, વિકલાંગ સેન્ટર, હોમીઓપેથીક દવાખાનું, સાત તબીબી સાધન સહાય કેન્દ્ર, ICU ઓન વિલ્સ, વગેરે પ્રોજેક્ટસ ચાલે છે.